સુરતમાં ચિરાગ ગોટીનો તાલીબાની આતંક, વધુ એક કેસ સામે આવ્યો - Gujarat Post

05:08 PM Feb 12, 2026 | gujaratpost

  • ચિરાગ ગોટીની રાજકીય નેતાઓ સાથેની તસવીર વાયરલ
  • તેની કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 107 કરોડ રૂપિયા છે

સુરત: સુરતમાં પોતાની માથાભારે છાપ અને ક્રૂરતા માટે જાણીતા ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાં કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ હવે તેની સામે ખંડણી, અપહરણ અને છેતરપિંડીના વધુ ગંભીર ગુનાઓ સામે આવ્યા છે.

બિલ્ડર રજની વાવડિયાએ ચિરાગ ગોટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ, ચિરાગે માત્ર 3 લાખ રૂપિયા સામે 18 લાખ રૂપિયા જબરદસ્તી પૂર્વક પડાવ્યા હતા. બિલ્ડરનો દાવો છે કે ચિરાગ અને તેની ટોળકીએ અંદાજે 40 જેટલા લોકો સાથે આ પ્રકારે આતંક મચાવ્યો છે.

ચોકબજાર પોલીસ મથકમાં ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત સાત શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. વેડ રોડના જમીન દલાલ જિજ્ઞેશ વ્યાસનું અપહરણ કરી 2 લાખની ખંડણી માંગી 50 હજાર પડાવી લેવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ચિરાગ 'શ્યામ લુબ્રિકન્ટ્સ' નામની કંપની ચલાવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર 107 કરોડ રૂપિયા છે. પોલીસના મતે આ કંપની માત્ર એક દેખાવો છે. વાસ્તવમાં આ કંપનીની આડમાં 
મિલકત વિવાદોમાં દખલગીરી કરવી, વેપારીઓ પાસે પઠાણી ઉઘરાણી કરવી, લોકોના કિંમતી પ્લોટ હડપવા જેવી બેનામી પ્રવૃત્તિઓ થતી હતી.

ચિરાગ ગોટીના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પિસ્તોલ સાથેના અનેક ફોટા વાયરલ થયા છે. ગણપતિ ઉત્સવમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો પણ ચર્ચામાં રહ્યો હતો. જોકે, પોલીસની પૂછપરછમાં ચિરાગે તેને 'એરગન' ગણાવી બચાવ કર્યો હતો. હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ હથિયારોની સત્યતાની તપાસ કરી રહી છે. છેલ્લા આઠ મહિનાથી ફરાર રહ્યા બાદ હવે પોલીસ ચિરાગની કંપનીના તમામ બેંક ટ્રાન્ઝેક્શન અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે.