ઈરાની જહાજ પર સબમરીન હુમલો: 101 લાપતા; શ્રીલંકાના દરિયાકાંઠે સર્જાઈ મોટી કટોકટી

04:43 PM Mar 04, 2026 | gujaratpost

(Photo: Reuters)

કોલંબો: શ્રીલંકાના દક્ષિણ તટ નજીક સમુદ્રમાં બુધવારે એક અત્યંત ગંભીર કટોકટી સર્જાઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, એક ઈરાની જહાજ પર કથિત સબમરીન હુમલો થતા 101 લોકો લાપતા થયા છે અને 78 લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે શ્રીલંકાની નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.

આ ઘટના બુધવારે શ્રીલંકાના દરિયાઈ વિસ્તારમાં બની હતી. જહાજ દ્વારા ઈમરજન્સી  સંદેશ મોકલવામાં આવ્યા બાદ શ્રીલંકાની નૌકાદળ દ્વારા મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નૌકાદળે પુષ્ટિ કરી છે કે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઈરાની જહાજ તરફથી સિગ્નલ મળતાની સાથે જ શ્રીલંકન નૌકાદળે બચાવ કામગીરી માટે પોતાના જહાજો રવાના કર્યા હતા. પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટતા કરી કે નૌકાદળે અત્યાર સુધીમાં 32 ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ જાહેર કરાયેલા ઈજાગ્રસ્તોના આંકડામાં હવે સુધારો કરવામાં આવ્યો છે.

વિદેશ મંત્રી વિજિતા હેરાથે સંસદ સભ્યોને જણાવ્યું હતું કે ડૂબતા જહાજમાંથી કર્મચારીઓને સારવાર માટે કિનારે લાવવામાં આવ્યા છે. જોકે, તેમણે આ ઓપરેશન અંગે વધુ વિગતો આપી ન હતી પરંતુ ખાતરી આપી હતી કે શ્રીલંકા આ ઘટના પર યોગ્ય પગલાં લેશે.

 જહાજ પર હુમલો કરનાર કથિત સબમરીન કોની હતી અને આ હુમલા માટે કોણ જવાબદાર છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. જહાજની ચોક્કસ ઓળખ અને તેના પર સવાર લોકોની કુલ સંખ્યા વિશેની વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.

હાલમાં શ્રીલંકન સંરક્ષણ સત્તાવાળાઓ અને ઈરાની અધિકારીઓ તરફથી વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.