‘જીવનદાતા’ મહિલાઓની હિંમતને બિરદાવવામાં આવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો
“She Gave Life Beyond Life” કાર્યક્રમમાં એવી મહિલાઓનું સન્માન કરાયું જેમણે પોતાના અંગોનું દાન કરીને બીજાને જીવન આપ્યુ
8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહત્વનું યોગદાન આપનારી 30 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ, જે મહિલાઓ કોઈની માતા, દીકરી, બહેન કે પત્ની છે- તેમનું સન્માન કરવામાં આવ્યુ છે. આ મહિલાઓએ જીવતેજીવ અંગદાન કરીને પોતાના પ્રિયજનોને નવું જીવન આપ્યું છે. તેમની આ સફર પ્રેમ, ત્યાગ અને આશાનું પ્રતિક છે. સેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત સરકારના મંત્રી રિવાબા જાડેજા અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ ખાસ ઉપસ્થિત રહીને આ મહિલાઓને સન્માનિત કરી હતી. તેમની સાથે શેલ્બી હોસ્પિટલ્સના કો-ફાઉન્ડર ડો.દર્શિની શાહ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ દાદા દેશમુખ અને શેલ્બી હોસ્પિટલ્સ (અમદાવાદ ક્લસ્ટર) ના પરિમલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતુ કે મહિલા દિવસની સાચી ઉજવણી આ જ છે. તેમનું નિઃસ્વાર્થ કાર્ય આપણને યાદ અપાવે છે કે માનવતા અને સહાનુભૂતિ એ આપણા સમાજની સૌથી મોટી તાકાત છે
કિંજલ દવેએ કહ્યું કે મેં કલાકાર તરીકે માનવતા વિશે ઘણું ગાયું છે, પણ આજે મેં તેને રૂબરૂ નિહાળી. કોઈને નવજીવન આપવું એ ઈશ્વરના કાર્ય સમાન છે.
ડો. દર્શિની શાહ (શેલ્બી હોસ્પિટલ્સે) આ કાર્યક્રમમાં જણાવ્યું કે આ મહિલાઓ આપણા માટે પ્રેરણા છે. મેં વ્યક્તિગત રીતે મારા તમામ અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે, કારણ કે આપણે પાછળ છોડી શકીએ તેવો શ્રેષ્ઠ વારસો આપણા દ્વારા બચેલા જીવ છે.
દિલીપ દાદા દેશમુખ (સામાજિક કાર્યકર) એ આ પ્રસંગે કહ્યું કે હું આજે અહીં ઉભો છું કારણ કે કોઈએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. હું વ્યક્તિગત રીતે જાણું છું કે આ ભેટનું મૂલ્ય શું છે. આ મહિલાઓ માત્ર દાતા નથી, તેઓ જીવનદાતા છે જેમણે અનેક પરિવારોને ભવિષ્યની આશા આપી છે.
આ પ્રસંગે પરિમલ પટેલ, ક્લસ્ટર શેલ્બી હોસ્પિટલ્સે જણાવ્યું કે શેલ્બી હોસ્પિટલ્સ અંગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે હંમેશા તૈયાર છે. આજે અમે જે મહિલાઓનું સન્માન કર્યું છે, તેઓ ખરા અર્થમાં જીવન આપનારી નારીઓ છે. તેમની આ પ્રેરણાદાયી વાતો સાંભળીને બીજા ઘણા લોકો પણ અંગદાનનું મહત્વ સમજશે અને આ નેક કામમાં જોડાશે.
ગાયત્રી સપેડિયા (અંગદાતા) એ જણાવ્યું કે મેં મારા ભત્રીજાને કિડની આપી અને કિડની દાન કરવાથી તેને નવજીવન મળ્યું, જે મારા માટે સૌથી મોટી ખુશી છે. જીવંત અંગદાન સુરક્ષિત છે અને આજે અમે બંને સ્વસ્થ જીવન જીવી રહ્યાં છીએ.