રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું અને ક્ષત્રિય સમાજે દાવો કર્યો કે 7 બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડશે, ત્યાર બાદ ભાજપની પણ ચિંતા વધી ગઇ છે, બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને કારણે ભાજપનું મોટી લિડથી જીતવાનું સપનું તૂટવાનું છે તે નક્કિ છે, ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઇઓએ ભાજપની વિરુદ્ધ મતદાન કર્યું છે.
આ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજ પીએમ મોદી સામે પણ રોષ ઠાલવી રહ્યો છે, પરસોત્તમ રૂપાલાએ સ્વીકાર્યું છે કે મારા કારણે ભાજપને નુકસાન થયું છે અને મારા કારણે જ વડાપ્રધાન મોદીએ પણ સાંભળવું પડ્યું હશે, જો કે અગાઉ રૂપાલાની ક્ષત્રિય સમાજની માફી એક રાજકીય નાટક જેવી હતી તેમ આ શબ્દો પણ કદાચ ભાજપની લાગણી મેળવવા જ છે, કારણ કે જો રૂપાલા જીતી જશે તો પણ મંત્રીપદ મળશે કે કેમ તે હજુ સળગતો સવાલ છે ?
આજે પ્રેસ કોન્ફરન્સમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે હું ફરીથી ક્ષત્રિય સમાજની દિલથી માફી માંગુ છું, મારા કારણે આ વિવાદ ઉભો થયો હતો, હું ક્ષત્રિય સમાજને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું, તેમને ક્ષત્રિય બહેનોની પણ માફી માંગી છે. જો કે ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ભાજપમાં કોઇ પદ પર હશે ત્યાં સુધી તેમનો વિરોધ તો ચાલુ જ રહેશે. ભાજપ જો આગામી સમયમાં આ મામલે કંઇ વિચારશે નહીં તો બધી બાજુથી ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડશે તે નક્કિ છે.
નોંધનિય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર કરેલી ટિપ્પણીને કારણે કેટલીક જગ્યાએ ભાજપના કાર્યકરો અને નેતાઓનો જોરદાર વિરોધ થયો છે. અનેક ગામડાઓમાં ભાજપના લોકોની નો એન્ટ્રી કરી દેવાઇ હતી, ભાજપ વિરુદ્ધ મતદાન માટે રણનીતિ અપનાવવામાં આવી હતી. જો કે ભાજપ ક્ષત્રિય સમાજ સામે જરા પણ ઝુક્યું નથી અને તેને રૂપાલાને રાજકોટ બેઠક પર ચૂંટણી લડાવીને સંદેશ આપ્યો છે કે અમે કોઇ સમાજના દબાણમાં આવવાના નથી.