રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. ટિકિટ ફાળવણીમાં રઘુવંશી સમાજની ઉપેક્ષા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ભાજપ અને સ્થાનિક ધારાસભ્ય સામે ઉગ્ર મોરચો માંડવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે યોજાયેલા રઘુવંશી સ્વાભિમાન સંમેલનમાં સમાજના અગ્રણીઓએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે.
સંમેલનમાં રઘુવંશી સમાજના આગેવાનોએ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ પર સીધો પ્રહાર કર્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ધારાસભ્યએ પોતાના અંગત સ્વાર્થ ખાતર વોર્ડ નંબર 1,2 અને 3માં રઘુવંશી સમાજના સક્ષમ મુરતિયાઓની ટિકિટો કાપી નાખી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ‘ડૉ. દર્શિતાબેન શાહ હાય હાય’ અને ‘ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી’ જેવા સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ્સ દર્શાવ્યા હતા.
રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે. ડી. રઘુવંશીએ આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે, રઘુવંશી સમાજના ગઢ ગણાતા વિસ્તારોમાં જાણીજોઈને સમાજની અવગણના કરવામાં આવી છે. તેમણે ધારાસભ્યને ચેતવણી આપતા કહ્યું કે, “તમારા અહંકારના કિલ્લાને અમે ધૂળમાં મેળવી દઈશું.” સંમેલનમાં હાજર રહેલા લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી હતી અને આગામી ચૂંટણીમાં ભાજપને મત ન આપવાના સોગંદ લીધા હતા. સમાજે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી, ત્યાં તેઓ NOTAનો ઉપયોગ કરશે.
ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ ગીતાના શ્લોકને ટાંકીને ન્યાય માટે લડત આપવાની હાકલ કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે શું અઢી લાખની રઘુવંશી વસ્તીનું પ્રતિનિધિત્વ માત્ર ત્રણ મહિલા ઉમેદવારો જ કરી શકે? સમાજના અગ્રણીઓએ અંતમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો આ અન્યાય ચાલુ રહેશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઇતિહાસ રચશે.
સ્થાનિક ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રઘુવંશી સમાજની આ નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.