પ્રતિકાત્મક ફોટો
રાજકોટઃ વીડિયો કોલમાં યુવતીઓ દ્વારા નિઃવસ્ત્ર થઇ સામેવાળાને બ્લેકમેઇલિંગ કરીને પૈસા પડાવવાના કિસ્સા વધી રહ્યાં છે.ગુના આચરતી આવી ટોળકીઓ સક્રિય છે અને અનેક લોકો ભોગ બન્યાં છે. મોટાભાગના કિસ્સાઓમાં આબરૂ જવાના ડરથી પીડિતો ફરિયાદ પણ નોંધાવતા નથી. પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારના ગુના આચરતી ટોળકીઓથી નહીં ડરવા માટે કહેવાય છે. તેમ છતાં ભોગ બનનારાઓ ડરી રહ્યાં છે. રાજકોટમાં આ પ્રકારના એક કિસ્સામાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
29 વર્ષીય યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, 4 માસ પહેલા તેના ફેસબુક એકાઉન્ટ પર પુનમ શર્માના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે તેણે સ્વીકાર્યાં બાદ તમારે મારા ફ્રેન્ડ બનવું છે તેવો મેસેજ આવ્યો હતો. જેથી તેણે હા પાડી હતી. તે સાથે જ તેની પાસેથી વોટ્સએપ નંબર માંગ્યો હતો. જે તેણે આપી દીધો હતો. થોડા સમય બાદ તેના વોટ્સએપ નંબર ઉપર પુનમ શર્મા નામનું એકાઉન્ટ ધરાવતી યુવતીએ મેસેજ કર્યાં બાદ સીધો વીડિયો કોલ કર્યો હતો. જે તેણે રિસીવ કરતાં જ યુવતીએ પોતાના કપડા કાઢી નાખ્યાં હતા. તેને પણ કપડા કાઢી નાખવાનું કહેતા તેણે તેમ કર્યું હતું. થોડીવાર સુધી સામાવાળી મહિલાએ તેની સાથે વાતચીત કરી હતી. બાદમાં અચાનક મમ્મી આવી ગયાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.
થોડીવાર બાદ તેના મોબાઈલમાં એક વીડિયો આવ્યો હતો. જેમાં તે અને સામાવાળી યુવતી નિઃવસ્ત્ર અવસ્થામાં હતા. તેનો વીડિયો તેની જાણ બહાર ઉતારી લીધા બાદ યુવતીએ બ્લેકમેઇલિંગ શરૂ કરીને કહ્યું હતું કે આ વીડિયો વાયરલ ન કરવો હોય અને ડીલિટ કરાવવો હોય તો મને રૂ. 5 હજાર આપવા પડશે, નહીંતર આ વીડિયો તારા સગા-સંબંધીઓને મોકલી આપીશ. જેથી ડરી જતાં તેણે રૂ. 2 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. ત્યારબાદ તત્કાળ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી.
બીજા દિવસે તેના મોબાઇલમાં એક શખ્સનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસ તરીકે આપી કહ્યું કે પુનમ શર્માએ તમારો વીડિયો વાયરલ કર્યો છે, હવે તે વીડિયો ડિલીટ કરવો હોય તો રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. આ વાત સાંભળી ગભરાઇ જતા તેણે સામાવાળા શખ્સે જણાવેલા જુદા-જુદા એકાઉન્ટમાં કટકે-કટકે રૂ. 78 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ તેને જાણ થઇ હતી કે દિલ્હી સાયબર ક્રાઇમના નામે ગઠીયાઓએ તેની પાસેથી રૂપિયા પડાવાયા છે. જેથી ફરીથી સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર અલગથી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો