અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો, રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

10:00 AM Mar 19, 2026 | gujaratpost

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. 

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનને કારણે ઘણા વિસ્તારોમાં ઝાડ પડી ગયા છે. રસ્તાઓ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સ પણ ઉખડી ગયા હતા. 

19 માર્ચની વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરોમાં જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાતાવરણ ધૂળમય બની ગયું હતું.  

મહેસાણા જિલ્લામાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો જોરદાર હતો કે શહેર અને ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રે વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. જોરદાર આંધી અને ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. 

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ અને ભારે પવનની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં હળવો વરસાદ થવાની શક્યતા છે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની આગાહી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.