રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ

07:43 PM Apr 17, 2026 | gujaratpost

બ્રિટિશ નાગરિકતા મુદ્દે કાયદાકીય ગુંચ

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે રાયબરેલીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યાં છે. આ સમગ્ર વિવાદ તેમની બ્રિટિશ નાગરિકતા સાથે જોડાયેલો છે. મુખ્ય પ્રશ્ન એ ઊભો થયો છે કે શું રાહુલ ગાંધી પાસે ભારતની સાથે બ્રિટનની પણ નાગરિકતા છે ? અને જો હોય, તો શું તેઓ ભારતના સાંસદ તરીકે ચાલુ રહી શકે ?

ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં એક અરજી દાખલ કરી હતી. તેમની માંગ હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે, કારણ કે તેમના પર બ્રિટિશ નાગરિકતા હોવાનો આરોપ છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા છે, તેઓ એક તરફ ભારતીય નાગરિક છે અને બીજી તરફ બ્રિટિશ નાગરિક પણ છે.

ભારતનું બંધારણ અને કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે વ્યક્તિ પાસે માત્ર એક જ દેશની નાગરિકતા હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે બેવડી નાગરિકતા હોય, તો તે ભારતમાં ચૂંટણી લડી શકતી નથી અને સાંસદ પણ બની શકતી નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 

આ જીત બાદ વિગ્નેશ શિશિરે કોર્ટમાં દલીલ કરી હતી કે જો રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા હોય, તો તેમનું સાંસદ બનવું ગેરકાયદેસર ઠરે છે. આ મામલે હવે કોર્ટે તપાસના આદેશ આપતા રાજકીય ગરમાવો વધી ગયો છે.