માંગરોળ: માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી જતાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ભાવનગરથી અંદાજે 40થી વધુ શ્રદ્ધાળુઓ ખાનગી બસમાં સવાર થઈને ધાર્મિક યાત્રાએ નીકળ્યાં હતા. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આ તમામ યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યાં હતા. ત્યારે રઈજ ગામ પાસે હાઈવે પર અચાનક એક નીલગાય બસની આગળ આવી જતા આ અકસ્માત થયો હતો. પૂરઝડપે જતી બસ સામે પશુ આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારતા જ મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યાં હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં હતા.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સનો કાફલો પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાતા માંગરોળ પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્વારા બસ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.