આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ પરેશ ગોસ્વામી મેદાનમાં, કહી આ વાત

08:45 PM Feb 16, 2026 | gujaratpost

  • એક રૂપિયાનું ખોટું ન કરે તેવો માણસ: પરેશ ગોસ્વામી
  • ખેડૂત નેતાઓનું મનોબળ ન તોડવા અપીલ

રાજકોટઃ ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપતા જ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા આક્ષેપો બાદ જાણીતા હવામાન નિષ્ણાંત અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી રાજુ કરપડાના સમર્થનમાં આવ્યાં છે.

રાજુ કરપડાના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર તેમને ગદ્દાર કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે અને તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવાઈ રહી છે. આ બાબતે પરેશ ગોસ્વામીએ આપના કાર્યકર્તાઓ અને ટીકાકારોને આડે હાથ લેતા જણાવ્યું કે પાર્ટી છોડી છે, ખેડૂતોને નહીં. રાજુભાઈએ માત્ર પક્ષ છોડ્યો છે, ખેડૂતોનો સાથ નહીં. કોઈ વ્યક્તિ પક્ષ બદલે એટલે તે વેચાઈ ગયો છે તેવું કહેવું તદ્દન ખોટું છે. રાજકીય પક્ષો ખેડૂત હિતના એકમાત્ર ઠેકેદાર નથી. પક્ષ વગર પણ ખેડૂતોની સેવા થઈ શકે છે.

પરેશ ગોસ્વામીએ રાજુ કરપડાના ભૂતકાળના સંઘર્ષોને યાદ અપાવતા ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું, જ્યારે બોટાદના હળદળમાં કડદા કાંડ થયો, ત્યારે આ મરદનો દીકરો એકલો લડ્યો હતો. ખેડૂતોના હક માટે તેમણે જેલ ભોગવી છે. જે માણસ ખેડૂતો માટે જેલમાં ગયો હોય, તેને ખરાબ ચીતરવાથી સમાજનો ઉદ્ધાર નહીં થાય.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજુ કરપડા છેલ્લા 10 વર્ષથી ખેડૂતો માટે લડી રહ્યાં છે અને તેઓ એક રૂપિયાનું પણ ખોટું કરે તેવા માણસ નથી. જ્યાં સુધી તેઓ સત્તાવાર રીતે કોઈ અન્ય પક્ષમાં જોડાઈને ખેડૂત વિરોધી કામ ન કરે, ત્યાં સુધી તેમને અપશબ્દો બોલવાનો કોઈને અધિકાર નથી.