પાકિસ્તાને સતત સાતમા દિવસે LoC પર કર્યુ ફાયરિંગ, ભારતે આપ્યો સણસણતો જવાબ - Gujarat Post

10:03 AM May 01, 2025 | gujaratpost

  • પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે
  • ભારત ગમે ત્યારે કઈં કરશે તેવો પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે

નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન કાયરતાપૂર્ણ હરકત કરી રહ્યું છે. ભારતે લગાવેલા પ્રતિબંધો બાદ LoC પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સતત સાતમા દિવસે એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાની સેના ડરી ગઈ છે અને તેના અનેક જવાનો પોસ્ટ છોડીને ભાગી ગયા છે. પાકિસ્તાનની પોસ્ટ પરથી પાક. રેન્જર્સે તેમનો ઝંડો પણ હટાવી લીધો છે.

30 અને 1 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ સામે જવાબ આપ્યો હતો.  28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાનના સૂચના પ્રધાન અતાઉરલ્લાહ તરારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે દાવો કર્યો કે, ભારત આગામી કલાકોમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.