PM મોદીએ આસામમાં ચૂંટણીના શ્રીગણેશ કર્યા, ઓપરેશન સિંદૂર અને પુલવામાનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર

10:06 AM Feb 15, 2026 | gujaratpost

ગુવાહાટીઃ આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલાં જ રાજ્યને વિકાસ પરિયોજનાઓની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ પ્રવાસ દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે ગુવાહાટીમાં આયોજિત જનસભામાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વધતી જતી રાજકીય ગરમાગરમી વચ્ચે ચૂંટણી બ્યુગલ ફૂંકતા પીએમ મોદીએ એક તરફ ભાજપના શાસનકાળમાં લેવાયેલા નિર્ણયો અને વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો, બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કોંગ્રેસ પર આતંકીઓને ખભે બેસાડવાનો આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ઘૂસણખોરોને બચાવવામાં લાગેલા છે. તેમણે ભાજપના પક્ષમાં જનાદેશનો ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં જનતા ભારે બહુમતીથી ભાજપની સરકાર પસંદ કરશે.

કોંગ્રેસ પર તુષ્ટિકરણના આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વોત્તરને નજરઅંદાજ કરીને કોંગ્રેસે હંમેશા ફંડ ફાળવવામાં પાછીપાની કરી હતી. તેમણે NDA સરકારના નિર્ણયોને રેખાંકિત કરતા આજે લોકાર્પણ કરાયેલા 'ભાસ્કર સેતુ' સહિતની અન્ય પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

પુલવામા આતંકી હુમલાની સાતમી વરસીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, આજે જ પુલવામા હુમલાની વરસી છે. હું આ હુમલામાં જીવ ગુમાવનારા માં ભારતીના વીર સપૂતોને નમન કરું છું. આ હુમલા બાદ ભારતે જે રીતે આતંકીઓને સજા આપી તે આખી દુનિયાએ જોઈ છે. જમ્મુ-કાશ્મીરના જ પહેલગામમાં એપ્રિલ 2025માં થયેલી આતંકી હરકતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, તમે ભારતની આ શક્તિ 'ઓપરેશન સિંદૂર'માં પણ જોઈ છે.

પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાના જડબાતોડ જવાબનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જનતાને પૂછ્યું- હું તમારી પાસે જાણવા માંગુ છું કે શું ક્યારેય કોંગ્રેસમાં દેશહિત માટે આટલી હિંમત સાથે નિર્ણય લેવાની તાકાત હતી ખરી? તેઓ વધુમાં વધુ નિવેદનો જ આપી શકે છે. જે કોંગ્રેસ ભારતને રાષ્ટ્ર માનવાનો પણ ઇનકાર કરે છે, જેઓ 'માં ભારતી' કોણ છે તેવા સવાલ કરે છે અને જેમને 'માં ભારતી'ના નામથી પણ એલર્જી છે, તે કોંગ્રેસ ક્યારેય ભારતનું ભલું કરી શકે નહીં.