સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે બન્યો નવો બ્રિજ, PM મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘઘાટન

06:16 PM Mar 31, 2026 | gujaratpost

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યને અંદાજે રૂ. 20,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. વડાપ્રધાને દિવસની શરૂઆત ગાંધીનગરના કોબા ખાતે કરી હતી. મહાવીર જયંતીના પવિત્ર અવસરે તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાણંદ અને ત્યાંથી વાવ-થરાદ પહોંચ્યાં હતા.

પીએમ મોદીએ રૂ. 5,100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 109 કિમી લાંબા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8)નું લોકાર્પણ કર્યું છે. આ હાઈવેને કારણે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં અને ભાવનગર માત્ર 1 કલાક 45 મિનિટમાં પહોંચી શકાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના મળી કુલ રૂ. 19,806.9 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતા.પીએમ મોદીએ સાણંદમાં કેઇન્સ સેમિકોન (Kaynes Semicon) ના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતની ટેકનોલોજીકલ શક્તિ વિશે વાત કરતા મહત્વના મુદ્દાઓ કહ્યાં હતા.

મોદીએ આ દાયકાને ભારતનો ટેકેટ ગણાવ્યો અને કહ્યું કે AI ક્ષેત્રે ભારત દુનિયામાં અગ્રેસર છે. સાણંદમાં બનનારી સેમિકન્ડક્ટર ચિપ્સ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં નિકાસ થશે. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે હવે નવો બ્રિજ બની ગયો છે. ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ હાલ 4.50 લાખ કરોડનું છે, જે દાયકાના અંત સુધીમાં 100 બિલિયન ડોલર (રૂ. 9 લાખ કરોડ) ને પાર કરી જશે.

વડાપ્રધાને જણાવ્યું કે કોરોના કાળમાં સપ્લાય ચેન ખોરવાઈ ત્યારે જ ભારતે સેમિકન્ડક્ટર હબ બનવાનો સંકલ્પ કર્યો હતો. 2021માં શરૂ થયેલા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત હાલ 6 રાજ્યોમાં રૂ. 1.60 લાખ કરોડના કામો ચાલી રહ્યા છે. આ વર્ષના બજેટમાં ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે ભારતને સુરક્ષિત ટેકનોલોજી પ્લેટફોર્મ પૂરું પાડશે.

પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 21મી સદીનું ભારત હવે માત્ર બદલાવનું સાક્ષી નથી, પણ તે દુનિયામાં ટેકનોલોજી અને એનર્જી સિક્યોરિટીના ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યું છે.