વાવઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન સાણંદ બાદ વાવ-થરાદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઉત્તર ગુજરાતના વિકાસ માટે ₹19,806.9 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રદેશના વિકાસને નવી ગતિ આપી હતી.
વડાપ્રધાને ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, એક સમયે સૂકા પ્રદેશ તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતમાં લોકોએ પાણી માટે ભટકવું પડતું હતું. અગાઉની સરકારોએ આ વિસ્તારની ઉપેક્ષા કરી હતી, પરંતુ આજે અહીં હાઈ-સ્પીડ હાઈવે અને વંદે ભારત જેવી સુવિધાઓ પહોંચી છે.
વર્ષ 2010માં ચારણકા ખાતે સ્થાપિત દેશના પ્રથમ સોલર પાર્કનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, હવે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતને વિશ્વનું ઉર્જા કેન્દ્ર બનાવ્યું છે, વડાપ્રધાને ગૌરવ સાથે જણાવ્યું કે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું હતું. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિ.મી દૂર હોવાથી દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. તેમણે અગાઉની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત પ્રત્યેના દ્વેષને કારણે આ પ્રોજેક્ટની ફાઈલો વર્ષો સુધી દબાવી રાખવામાં આવી હતી.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું, વિશ્વમાં અરાજકતા હોવા છતાં ભારત પોતાની કુશળ વિદેશ નીતિને કારણે સ્થિર અને સુરક્ષિત છે. વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, જ્યારે દેશને એકતાની જરૂર છે ત્યારે વિપક્ષ ભાગલાવાદી રાજકારણ રમી રહ્યું છે. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહી દેશની સામૂહિક શક્તિ પર વિશ્વાસ રાખવા આહ્વાન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતની કાયાપલટ કરશે અને સ્થાનિક રોજગારી તેમજ આર્થિક વિકાસમાં મોટો ફાળો આપશે.