AIIMS ભુવનેશ્વરમાં વિદ્યાર્થીની જિંદગીની લડાઈ હારી ગઈ, HOD દ્વારા જાતીય સતામણીથી કંટાળીને પોતાને આગ લગાવી હતી

09:35 AM Jul 15, 2025 | gujaratpost

ઓડિશાઃ બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મંગળવારે ભુવનેશ્વરના AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના HOD પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. કોલેજ પ્રશાસન દ્વારા કાર્યવાહી ન થવાથી હતાશ થઈને, વિદ્યાર્થીનીએ કેમ્પસમાં જ પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી. તેને પહેલા બાલાસોર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર બની હતી અને 12 જુલાઈના રોજ તેને ભુવનેશ્વરના એઈમ્સમાં રિફર કરવામાં આવી હતી. 

AIIMS ભુવનેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને બર્ન્સ સેન્ટર ICUમાં દાખલ કરવામાં આવી હતી. દર્દીને IV પ્રવાહી, IV એન્ટિબાયોટિક્સ આપવામાં આવ્યું હતું અને વેન્ટિલેશન પર મૂકવામાં આવી હતી. બર્ન્સ આઈસીયુમાં રેનલ રિપ્લેસમેન્ટ થેરાપી સહિત તમામ શક્ય તબીબી પ્રયાસો છતાં તેને બચાવી શકાઇ નહીં. 14 જુલાઈના રોજ રાત્રે 11:46 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. 

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિદ્યાર્થીનીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને તેના પરિવારને ખાતરી આપી કે આ કેસમાં તમામ દોષિતોને કાયદા મુજબ કડક સજા મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિદ્યાર્થીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે AIIMS ભુવનેશ્વર પહોંચ્યાં હતા અને અહીં દાખલ વિદ્યાર્થીની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. જ્યારે મૃતક વિદ્યાર્થીના મૃતદેહને AIIMSના પોસ્ટમોર્ટમ સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજુ જનતા દળ (BJD) ના કાર્યકરોએ ન્યાયની માંગણી સાથે વિરોધ કર્યો. 

Trending :

આ 20 વર્ષીય વિદ્યાર્થીનીએ તેની કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (વિભાગ વડા) દ્વારા લાંબા સમય સુધી જાતીય સતામણીનો સામનો કર્યા બાદ પોતાને આગ લગાવી દીધી હતી. કોલેજ પ્રશાસનને ઔપચારિક ફરિયાદ નોંધાવવા અને પ્રિન્સિપાલ પાસેથી મદદ માંગવા છતાં તેની અરજી સાંભળવામાં આવી ન હતી, જેના કારણે તે નિરાશ થઈ ગઈ અને આ ભયાનક પગલું ભર્યું. ઓડિશા પોલીસે આરોપી સમીર સાહુ અને ફકીર મોહન કોલેજના સસ્પેન્ડ કરાયેલા પ્રિન્સિપાલ દિલીપ ઘોષની ધરપકડ કરી છે. કોર્ટે તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ઘટનાથી લોકો ગુસ્સે છે અને તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને કોલેજ પ્રશાસન પાસેથી જવાબદારીની માંગ કરી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++