નડિયાદઃ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના બની હતી. જવાહરનગર વિસ્તારમાં સોડાકાંડમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતક મુકબધિરની પડોશમાં રહેતો એક શિક્ષક હોવાનું ખુલ્યું છે. આત્મહત્યા કરવા ઈચ્છતા શિક્ષકે પોતાની આત્મહત્યા મૃત્યુમાં ખપાવી પરીવારને વીમાનો આર્થિક લાભ મળે તે હેતુથી ઓનલાઈન માધ્યમથી સોડીયમ નાઈટ્રાઈટ મંગાવ્યું હતું. જેનો અખતરો કરવા મુકબધિર સહિત ત્રણ લોકોને પીવડાવ્યું હતુ અને તેમનું મોત થઇ ગયું હતુ.
નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી હતી અને ત્રણેયના ગણતરીના સમયમાં જ મોત નિપજ્યાં હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે જે તે સમયે અપમૃત્યુ અને એ બાદ ગત 27મી ફેબ્રુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ લોકલ ક્રાઈમ બ્રાંચ અને અન્ય તપાસકર્તા ટીમ દ્વારા હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો છે અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે.
મૃતક મૂકબધિર કનુભાઈ ચૌહાણના પડોશી સરકારી શિક્ષક હરિકિશન મકવાણા દ્વારા આ સમગ્ર કાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સરકારી શિક્ષકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યારા શિક્ષકે પોતાની આત્મહત્યા માટે એમેઝોન પ્લેટફોર્મ પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હતુ, જેનો અખતરો કરવા જીરા સોડાની બોટલમાં ભેળવી પડોશીને ટાર્ગેટ કર્યો હતો. જોકે આ મૂકબધિર કનુભાઈએ બોટલ તેમના અન્ય બે મિત્રોને પણ પીવડાવતા ત્રણેયના મોત નિપજ્યાં હતા.
ગત 9 ફેબ્રુઆરીની મોડી સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે ત્રણ વ્યક્તિઓની જીરા સોડા પીધા બાદ તબિયત લથડી હતી. યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, નડિયાદ), કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ) અને રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ) નામના વ્યક્તિઓની તબિયત લથડી આ ત્રણેય વ્યક્તિઓનાં મોત થયા હતા.
આ મામલે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, હત્યારો આરોપી હરિકિશન મકવાણા છેલ્લા 20 વર્ષથી શિક્ષકની નોકરી કરે છે. થોડા વર્ષો અગાઉ જ તેની બદલી ખેડા જિલ્લામાં થયેલી હતી અને હાલ સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. પત્ની પણ નોકરી કરે છે. હરિકિશન વિરુદ્ધમાં અગાઉ પાટણમાં કોઈ ગુનો દાખલ થયેલો હતો જે ગુનો હાલ કોર્ટમાં છે. જેને લઇને હરિકિશન પોતે સતત તણાવમાં હતો. અને આત્મહત્યાના વિચારો આવતા હતા. વળી આત્મહત્યા બાદ વિમા કંપનીના નિયમ મુજબ નાણાં મળે નહીં જેથી પરિવાર આર્થિક સંકડામણમાં આવી શકે છે, તે વિચારીને હરિકિશને ગત 21 જાન્યુઆરી 2025ના રોજ ઓનલાઇન એમેઝોન પ્લેટફોર્મ પરથી આ સોડિયમ નાઇટ્રાઇટ 500 ગ્રામ મંગાવ્યું હતું. જેની જાણ હરિકિશનના પત્નીને થતા તેમણે આમ ન કરવા પોતાના પતિને સમજાવ્યું હતું અને આ પદાર્થનો નિકાલ કરી દીધો હતો. જોકે આ પહેલા છાની રીતે હરિકીશને સોડિયમ નાઇટ્રાઇટ પદાર્થ થોડો અલગ કાઢીને મુકી દીધો હતો અને તેને કારણે ત્રણ લોકોનાં મોત થઇ ગયા હતા.
નોંધનિય છે કે જે તે સમયે આ ઝેરી દારુને કારણે મોત થયાનું ચર્ચાઇ રહ્યું હતુ, પરંતુ હવે આ કેસમાં પોલીસને સફળતા મળી છે અને આરોપી ઝડપાઇ ગયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++