મુંબઇઃ વર્લી હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ, આરોપીની માતા અને 2 બહેનો પણ કસ્ટડીમાં

07:20 PM Jul 09, 2024 | gujaratpost

મુંબઈઃ પોલીસે વર્લી હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરી છે. ઘટના બાદ મિહિર શાહ ફરાર થઈ ગયો હતો. મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે આરોપીની માતા અને બે બહેનોની પણ અટકાયત કરી છે. આરોપીના પિતા રાજેશની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં પહેલાથી જ ધરપકડ કરાયેલા ડ્રાઈવર રાજ ઋષિ બિદાવતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને વધુ બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

મહિલાને દોઢ કિલોમીટર સુધી ઘસેડવામાં આવી હતી

મુંબઈ પોલીસે મંગળવારે સ્થાનિક કોર્ટને જણાવ્યું કે મુખ્ય આરોપી મિહિર શાહ (24 વર્ષ) ઘટના સમયે કાર ચલાવી રહ્યો હતો. મહિલાને દોઢ કિલોમીટર સુધી ઘસેડ્યાં બાદ આરોપીએ તેને ડ્રાઈવરને ગાડી ચલાવવા માટે આપી હતી. આ પછી ડ્રાઈવર રાજઋષિ રાજેન્દ્ર સિંહ બિદાવતે BMW કારને રિવર્સ મારીને બીજી વાર મહિલાને કચડી નાખી હતી.

Trending :

પોલીસે સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કર્યાં હતા

મિહિર શાહ શિવસેનાના પાલઘર યુનિટના નેતા રાજેશ શાહનો પુત્ર છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે ઘટના બાદ રાજેશે તેના પુત્રને ઘટના સ્થળેથી ભાગી જવા કહ્યું હતું. તેમણે ડ્રાઈવરને પણ આ ઘટનાની જવાબદારી લેવા સૂચના આપી હતી. પોલીસે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યાં હતા. જેમાં પીડિતા કાવેરીને કાર દ્વારા 1.5 કિમી સુધી ઘસેડવામાં આવી હતી. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે મિહિર અને ડ્રાઈવરે મહિલાને બોનેટ પરથી ખેંચીને રોડ પર ફેંકી દીધી હતી. પછી તેણે BMWને રિવર્સ મારીને તેને ફરીથી કચડી નાખી હતી.  

આ અકસ્માત રવિવારે થયો હતો

રવિવારે મુંબઈના વર્લી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં કાવેરી નાખવાનું મોત થયું હતું. તેમના પતિ પ્રદીપ નાખવાના જણાવ્યાં અનુસાર સવારે લગભગ 4 વાગ્યે તેઓ માછલી ખરીદીને ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એક ઝડપી કારે તેને ટક્કર મારી હતી, જે કાવેરીને સીજે હાઉસથી સી લિંક રોડ તરફ ખેંચી ગઈ હતી, પરિણામે તેનું મોત થયું હતું. નાખવાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી મિહિર શાહ રાજકીય નેતાના પુત્ર હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી રહી નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526