બનાસકાંઠાઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમના બેંક લોકરમાંથી 75 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું છે, એસીબીની તપાસમાં સોનાના 10 બિસ્કીટ અને 7 લગડીઓ મળી છે. નાયબ કલેકટર હાલ જેલમાં બંધ છે.
પાલનપુર સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેન્ક લોકર માંથી 74,89,839 રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ મળી આવ્યાં છે. લાંચિયા અધિકારી અંકિતા ઓઝાના BOB બેન્ક ખાતે આવેલ લોકરની પાલનપુર ACBએ ઝડતી લેતા સોનું મળ્યું છે. 25 ફેબ્રુઆરીના રોજ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન નાગોરી 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાતા હાલ પાલનપુરની સબજેલમાં છે.
સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળ નિરિક્ષણ કરીને પ્લોટધારકોને નોટિસ ફટકારી હતી. નોટિસ મળતા પ્લોટધારકો વતી ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યૂટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઈન્ચાર્જ કચેરી નિરિક્ષક ઈમરાનખાન નાગોરીએ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપી ચલણની કાર્યવાહી ઝડપી કરી આપવા શરૂઆતમાં 4.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકને અંતે એક મકાનના 1.50 લાખ પેટે એમ બે મકાનના 3 લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/