કોંગોમાં રૂબાયા કોલ્ટન ખાણમાં થયેલા વિનાશક ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકોનાં મોત, સૌથી વધુ મહિલાઓ અને બાળકો

10:13 AM Jan 31, 2026 | gujaratpost

કોંગો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ના પૂર્વી પ્રાંતમાં રૂબાયા કોલ્ટન ખાણમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકોનાં મોત થયા છે. બળવાખોરો દ્વારા નિયુક્ત ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કાંબેરે મુયિસાએ શુક્રવારે રોઇટર્સને જણાવ્યું હતું. ગવર્નરના એક સલાહકારે મૃત્યુઆંક 227 હોવાની પુષ્ટિ કરી હતી.

લગભગ 20 ઘાયલોને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી રહી છે

આ અકસ્માત વરસાદ બાદ થયો હતો. જ્યારે નબળી જમીન ધસી પડી હતી, જેમાં બાળકો અને બજારમાં વેપાર કરતી મહિલાઓ સહિત ઘણા લોકો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકો માર્યા ગયા હતા. કેટલાકને સમયસર બચાવી લેવામાં આવ્યાં હતા પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે. લગભગ 20 ઘાયલોને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી રહી છે.

રૂબાયા પ્રદેશ વિશ્વના લગભગ 15% કોલ્ટનનું ઉત્પાદન કરે છે

રૂબાયા પ્રદેશ વિશ્વના લગભગ 15% કોલ્ટનનું ઉત્પાદન કરે છે, જે ટેન્ટેલમમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આ ગરમી-પ્રતિરોધક ધાતુનો ઉપયોગ મોબાઇલ ફોન, કમ્પ્યુટર, એરોસ્પેસ સાધનો અને ગેસ ટર્બાઇન જેવા ઉત્પાદનોમાં વ્યાપકપણે થાય છે. અહીંના સ્થાનિક લોકો હાથથી ખોદકામ કરીને દરરોજ થોડા ડોલર કમાય છે, પરંતુ સલામતીના ધોરણોના અભાવે આવા અકસ્માતો સામાન્ય છે.

આ ખાણ 2024 થી AFC/M23 બળવાખોર જૂથના નિયંત્રણ હેઠળ છે. સંયુક્ત રાષ્ટ્રના મતે M23 એ રવાન્ડા સરકારના સમર્થનથી પ્રદેશની સંપત્તિ લૂંટીને તેના બળવાને ભંડોળ પૂરું પાડ્યું છે - આ આરોપ કિગાલી નકારે છે. એમ23નો ધ્યેય કિન્શાસા સરકારને ઉથલાવી પાડવાનો અને કોંગોના તુત્સી લઘુમતીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનું કહેવાય છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++