પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનાં પત્તા કપાયા હોવાની શક્યતા
નવી દિલ્હીઃ મોદી 3.0 સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે, દેશ-વિદેશથી મહેમાનો દિલ્હી પહોંચી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાંથી પણ મંત્રીમંડળમાં કેટલાક નેતાઓને સ્થાન મળશે, મોદી કેબિનેટમાં અમિત શાહ, રાજ્યસભા સાંસદ જે.પી નડ્ડા અને એસ.જયશંકર, મનસુખ માંડવીયા, નિમુબેન બાંભણિયાને સ્થાન મળશે, સૌથી ચર્ચાસ્પદ ચહેરો સી.આર.પાટીલ છે, જેઓ 7.73 લાખથી લિડથી નવસારી બેઠક જીત્યાં છે અને તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ છે, પાટીલ આજે દિલ્હીમાં છે અને તેમને પણ મંત્રી પદના શપથ માટે ફોન આવી ગયો હોવાની ચર્ચાઓ છે.
જો સી.આર.પાટીલ મોદી કેબિનેટમાં મંત્રી બનશે તો ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઇ નેતાને સોંપવામાં આવશે, તે નેતા કોણ હશે તેના પર ભાજપે અગાઉથી જ મંથન શરૂ કરી દીધું છે, જો કે તે પાટીદાર ચહેરો હશે કે ઓબીસી તેના પર હજુ સુધી કોઇ સ્પષ્ટતા સામે આવી નથી, ભાજપ આ વખતે પણ કોઇ નવા જ ચહેરાને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવી શકે છે.
ગુજરાતના મંત્રીમંડળમાં પણ ફેરફારોના એંધાણ દેખાઇ રહ્યાં છે, લોકસભા ચૂંટણીમાં ગુજરાત સરકારના જે મંત્રીઓના મતવિસ્તારોમાં મતો ઘટ્યાં છે તે મંત્રીઓ અને ધારાસભ્યોને સાઇડ લાઇન કરાય તેવી શક્યતા છે, બીજી તરફ કોંગ્રેસમાંથી આવીને જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાને મંત્રી પદની લોટરી લાગે તેવી શક્યતા દેખાઇ રહી છે, ઉપરાંત ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં અન્ય નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, ચર્ચાઓ છે કે બોર્ડ નિગમમાં પણ હવે ભાજપ ભરતીમેળો શરૂ કરવાની છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526