મોડાસામાં મિલકત અને નોકરીના વિવાદમાં ભાઈએ જ ભાઈનું ગળું દબાવી હત્યા કરી - Gujarat Post

06:28 AM Feb 04, 2026 | gujaratpost

અરવલ્લી: મોડાસાના મેઘરજ રોડ પર આવેલી પુરુષોત્તમનગર સોસાયટીમાં પારિવારિક ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા મિલકત અને નોકરીના વિવાદમાં મોટા ભાઈએ પોતાના જ સગા નાના ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા બે સગા ભાઈઓ, યોગેશ ઈશ્વરભાઈ રાઠોડ અને રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મિલકતના હિસ્સા અને નોકરી બાબતે તકરાર ચાલતી હતી. 2 ફેબ્રુઆરીના રોજ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવીને મોટા ભાઈ યોગેશે નાના ભાઈ રોહિતને છાતીના ભાગે પાટું મારી નીચે પાડી દીધો હતો. નીચે પડ્યા બાદ આરોપી યોગેશે રોહિતનું ગળું દબાવી દેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ મોડાસા ટાઉન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપી યોગેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. 

હાલમાં મોડાસા ટાઉન પોલીસે આરોપી યોગેશ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિલકત માટે એક ભાઈએ બીજા ભાઈનો જીવ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.