વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આટલા દિવસ રહેશે અસર

09:43 AM Mar 31, 2025 | gujaratpost

અમદાવાદ: રાજ્યમાં હવામાનનો પલટો આવી ગયો છે. રાજ્યમાં બે ઋતુ અનુભવાઇ રહી છે. જ્યારે બપોરે ગરમી પડી રહી છે અને સવારે ઠંડક વર્તાઇ રહી છે. હવામાન વિભાગે ત્રણ એપ્રિલ સુધી ગુજરાતમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

રવિવારે સૌથી વધુ તાપમાન મહુવામાં 41.6 ડિગ્રી સાથે રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. પોરબંદર અને વડોદરામાં 39 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગરમાં તાપમાન 38 ડિગ્રીની ઉપર નોંધાયું હતું.

દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ મહિનાની પહેલી તારીખે વાવાઝોડાની ચેતવણી આપી છે. મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બીજી તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી તથા વડોદરા, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++