દક્ષિણ કોરિયામાં મોટી પ્લેન દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પર લપસી જતા 179 લોકોનાં મોત

11:04 AM Dec 30, 2024 | gujaratpost

સિયોલ: દક્ષિણ કોરિયામાં પ્લેન દુર્ઘટનામાં 179 લોકોનાં મોતના અહેવાલ છે. જેજુ એરનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જતા ક્રેશ થયું હતું. પ્લેનમાં કુલ 181 લોકો સવાર હતા, જેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું છે, હાલમાં મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલી રહી છે.

પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું

જેજુ એરનું આ પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન લપસી ગયું અને દિવાલ સાથે અથડાયું હતું. દિવાલ સાથે અથડાતા જ વિમાનમાં આગ લાગી હતી. પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 32 ફાયર એન્જિન અને હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યાં હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા.

કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યાં હતા

લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે દુર્ઘટના થઈ હોવાનું કહેવાય છે. નેશનલ ફાયર એજન્સીએ જણાવ્યું કે અકસ્માત બાદ લાગેલી આગને કાબૂમાં લેવાઇ ગઇ છે. વિમાનના કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. હાલમાં રેસ્ક્યું ઓપરેશનમાં માત્ર 2 લોકોને જીવતા બચાવી લેવાયા છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++