અમદાવાદઃ ચંડોળા તળાવની આસપાસ બનેલા 3000 થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં 50 બુલડોઝ, 50 ટ્રક, 2000 થી વધુ પોલીસકર્મીઓ, રાજ્ય અનામત પોલીસ અને 500 થી વધુ મ્યુનિસિપલ કર્મચારીઓ સામેલ હતા. બંગાળી વાસ તરીકે કુખ્યાત આ વિસ્તારમાંથી 1.24 લાખ ચોરસ મીટર જમીનમાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીની સમીક્ષા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે મીડિયાને જણાવ્યું કે ચંદોલા તળાવનો આ વિસ્તાર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે આશ્રયસ્થાન બની ગયો હતો. 25 એપ્રિલના રોજ કરવામાં આવેલા દરોડામાં 850 થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરવામાં આવી હતી
તપાસમાં જાણવા મળ્યું કે અજમેરના વતની મહમૂદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીએ ઘુસણખોરોને 25,000 રૂપિયાના ભાડા કરાર પર રહેવાની વ્યવસ્થા કરી હતી, તેમને નકલી ભારતીય ઓળખ કાર્ડ મેળવવામાં પણ મદદ કરી હતી. બે દાયકા પહેલા અમદાવાદમાં સ્થાયી થયા પછી લલ્લુ બિહારીએ ચંડોળા તળાવ પર ગેરકાયદેસર બાંધકામો શરૂ કર્યા હતા, ધમકીઓને આધારે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું.
પોલીસના જણાવ્યાં અનુસાર લલ્લુ બિહારી ગેરકાયદેસર વીજળી કનેક્શન મેળવીને ઝૂંપડા બનાવતો હતો, જેમાંથી તે દર મહિને 12 લાખ રૂપિયાથી વધુ કમાણી કરતો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવા અને કેટલાક લોકોને ભીખ માંગવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતો. ગયા વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને ઘણા બાંગ્લાદેશીઓને દેશનિકાલ કર્યા હતા.
આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં પણ, અહીં રહેતા કેટલાક ગેરકાયદેસર નાગરિકોના આતંકી સંગઠન અલ કાયદા સાથે સંબંધો હોવાની શંકા છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે માહિતી હતી કે બાંગ્લાદેશની જેલમાંથી મુક્ત થયેલા કેટલાક આતંકવાદીઓ ભારતીય શહેરોમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યાં છે. તેને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યાં હતા.
આ કાર્યવાહી સામે સ્થાનિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ બાંધકામો તોડી પાડવા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઝુંબેશ ઓપરેશન ક્લીન હેઠળ હાથ ધરવામાં આવી છે, જેને અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ માનવામાં આવે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++