હજારો મુસાફરો પરેશાન થયા બાદ એર ઈન્ડિયાએ 25 કર્મચારીઓને ઘરભેગા કરી દીધા, સામૂહિક રજા પર ઉતરી જતા કરાઇ કાર્યવાહી

02:01 PM May 09, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ 8 મે, 2024 (બુધવાર) ના રોજ, એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો કે ક્રૂ સભ્યોના એક વર્ગે છેલ્લી ઘડીએ માંદગીની રજા લીધી હતી, જેના કારણે ફ્લાઇટના સંચાલનને અસર થઈ હતી. એરલાઇન્સની 90 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટિકિટ રિફંડ સિવાય એરલાઇન્સે મુસાફરોને બીજી ફ્લાઇટ પસંદ કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો. એરલાઈને ક્રૂ મેમ્બરો સામે કડક કાર્યવાહી કરી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સે લગભગ 25 કર્મચારીઓ (કેબિન ક્રૂ મેમ્બર)ને કામ પર ન આવવા બદલ છૂટા કરી દીધા છે. એરલાઈને કર્મચારીઓને કામકાજમાં ખલેલ પહોંચાડવા અને રોજગારના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ બરતરફ કર્યાં છે. ઉપરાંત, યોગ્ય ફ્લાઇટ કામગીરી સુનિશ્ચિત કરવા માટે આજે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના સીઈઓએ આ કટોકટીની સ્થિતિ સામે પહોંચી વળવા બેઠકો કરી રહ્યાં છે.

એરલાઈન્સ મુસાફરોને સુવિધા પૂરી પાડી રહી છે

મુસાફરોને સુવિધા આપવા માટે એર ઈન્ડિયા પેસેન્જરોને બીજી ફ્લાઈટનો વિકલ્પ આપી રહી છે. આ સિવાય એરલાઈને રિવાઈઝ્ડ ફ્લાઈટ શેડ્યૂલ પણ બહાર પાડ્યું છે. એરલાઈને નિવેદનમાં કહ્યું કે અમે પેસેન્જરો માટે ગ્રુપ એરલાઈન્સ સાથે વૈકલ્પિક ફ્લાઈટ્સનો વિકલ્પ પણ આપી રહ્યાં છીએ. મુસાફરોને શક્ય એટલી સુવિધાઓ આપવા તેઓ સક્રિય છે.

ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધી ગઈ છે. એરલાઇન્સે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરલાઇનની વેબસાઇટ પર 'ફ્લાઇટ સ્ટેટસ' તપાસે.

મુસાફરો સંપૂર્ણ રિફંડ લઈ શકશે

એર ઈન્ડિયા એક્સપ્રેસ ગ્રુપ એરલાઈન્સ સાથે વૈકલ્પિક ફ્લાઈટ્સ સાથે મુસાફરોને ટિકિટ રિફંડનો વિકલ્પ પણ આપી રહી છે. મુસાફરો આ નંબર +91 6360012345 પર WhatsApp દ્વારા રિફંડની વિનંતી કરી શકે છે. આ સિવાય તમે airindiaexpress.com પર રિફંડ રિક્વેસ્ટ પણ આપી શકો છો. એરલાઈન્સે કહ્યું કે પેસેન્જરને કોઈપણ ફી કપાત કર્યા વગર રિફંડ મળશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526