+

મહારાષ્ટ્રને મળ્યાં પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી, સુનેત્રા પવારે લીધા શપથ - Gujarat Post

મુંબઈઃ મહારાષ્ટ્રના કાર્યકારી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાંજે 5 વાગ્યે NCP નેતા સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અજીત પવારના નિધન બાદ તેમને ઉપમુ

મુંબઈઃ મહારાષ્ટ્રના કાર્યકારી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાંજે 5 વાગ્યે NCP નેતા સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અજીત પવારના નિધન બાદ તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેઓ રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બન્યાં છે.

NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સંકેત આપ્યો હતો કે NCP (શરદ પવાર જૂથ) સાથે વિલય (જોડાણ) અંગેનો નિર્ણય સુનેત્રા પવાર પોતે જ લેશે. તેમણે કહ્યું કે, આજે અમારું કામ નવા નેતાની પસંદગી કરવાનું હતું. આ મુદ્દે હવે અંતિમ નિર્ણય નેતા જ લેશે" NCP ધારાસભ્ય સંગ્રામ જગતાપે પણ જણાવ્યું હતું કે વિલય અંગેનો નિર્ણય પક્ષના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

સુનેત્રા પવારનો જન્મ 1963 માં ધારાસિવના રાજકીય પરિવારમાં થયો હતો, પરંતુ લગ્ન બાદ વર્ષો સુધી તેમણે પોતાની ઓળખ એક સક્રિય રાજકારણીને બદલે સમાજ સેવિકા તરીકે સ્થાપિત કરી હતી. તેમણે બારામતીના કાઠેવાડી ગામને નિર્મલ ગ્રામ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના માટે 2006માં આ ગામને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે હાઈટેક ટેક્સટાઈલ પાર્ક દ્વારા હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડીને આર્થિક સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકારણ સુનેત્રા પવારના લોહીમાં છે. તેમના પિતા બાજીરાવ પાટીલ અને ભાઈ પદમસિંહ પાટીલ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ રહ્યાં છે. 1985માં શરદ પવાર અને પદમસિંહ પાટીલની ગાઢ મિત્રતાને કારણે સુનેત્રાના લગ્ન અજિત પવાર સાથે થયા હતા. તેમના બે પુત્રો છે, પાર્થ પવાર અને જય પવાર. લાંબો સમય પડદા પાછળ રહીને પરિવાર અને સંસ્થાને સાચવ્યા બાદ, 2023માં NCPમાં પડેલા વિભાજન પછી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને 2024માં રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયા હતા.

રાજ્યસભાના સાંસદ તરીકે સુનેત્રા પવારનો ટ્રેક રેકોર્ડ પ્રશંસનીય રહ્યો છે. તેમણે કૃષિ, પર્યાવરણ અને રેલવે જેવા પાયાના મુદ્દાઓ પર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ પ્રશ્નો પૂછીને પોતાની ગંભીરતા સાબિત કરી છે. ફેબ્રુઆરી 2025માં તેમની પસંદગી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના પેનલમાં પણ કરવામાં આવી હતી. હવે અજિત પવારના અકાળે અવસાન બાદ ઊભી થયેલી રાજકીય શૂન્યાવકાશને ભરવા માટે મહાયુતિ ગઠબંધન તેમના પર ભરોસો મૂકી રહ્યું છે.

facebook twitter