- જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી
- સીએમ યોગીએ અલીગઢનો પ્રવાસ અધવચ્ચેથી જ રદ કર્યો
લખનઉઃ શહેરમાં સોમવારે અલીગંજ વિસ્તારના પુરનિયામાં આવેલ એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેને કારણે અંદર હાજર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઊંચાઈ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જેમાં તેઓ ઘાયલ થયા છે. જ્યારે, 15 બાળકોના દર્દનાક મોત થયા છે.
ઘટના સ્થળે ડીજીપી રાજીવ ક્રિષ્ન અને પ્રમુખ સચિવ સંજય પ્રસાદ પણ પહોંચી ગયા છે. લખનઉના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) અને વહીવટી ટીમ સાથે પોલીસ કાફલો તૈનાત છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે. બાજુના ઘરની છત પરથી કોચિંગની દીવાલ કાપીને રેસ્ક્યું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 10 લોકોને રેસ્ક્યું કરીને ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યાં છે. ઘટના સ્થળે હાજર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક ભાવુક થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું કે, મેં મારી પોતાની આંખોથી 14 મૃતદેહો જોયા છે.
STORY | At least 12 students killed in Lucknow building fire
— Press Trust of India (@PTI_News) June 22, 2026
At least 12 students were killed after a massive fire blazed through a three-floor commercial building in a residential area in north Lucknow on a busy Monday afternoon, trapping several people.
Eyewitnesses said… pic.twitter.com/hbvy2uwkjG
લખનઉ અગ્નિકાંડની માહિતી મળતા જ મુખ્યમંત્રીએ પોતાનો અલીગઢ પ્રવાસ રદ કરી દીધો હતો. તેમને લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન જ આ દુર્ઘટનાની જાણકારી મળતા યોગી લખનઉ જવા રવાના થઈ ગયા હતા.
અલીગઢમાં આયોજિત લોકાર્પણ- શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ જનમેદનીને કહ્યું કે, મારી ઈચ્છા હતી કે હું અહીં જ રહું. પરંતુ હમણાં જ માહિતી મળી છે કે લખનઉમાં એક દુર્ઘટના થઈ છે અને કેટલાક બાળકો આગની ઝપેટમાં આવી ગયા છે. કેટલાક બાળકોના દુઃખદ મોત થયા છે. વહીવટીતંત્ર રાહત કાર્યોમાં લાગેલું છે. મારે પણ આ દુઃખદ ઘટનાને કારણે તાત્કાલિક લખનઉ પરત ફરવું પડી રહ્યું છે.
મુખ્યમંત્રીએ ઘાયલોની યોગ્ય સારવાર કરાવવા માટે નિર્દેશ આપ્યાં છે. સીએમએ કહ્યું કે, જે પરિવારોએ પોતાના સંતાનો ગુમાવ્યાં છે, તેમના પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રીએ લખ્યું કે, લખનઉમાં અગ્નિ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. પ્રભુ શ્રીરામ પાસે પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય.