ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પૂર્વે ભાજપે તેના પત્તા ખોલ્યા છે. રાજ્યના રાજકારણમાં હાલ ટિકિટ મેળવવા માટે રસાકસી અને આંતરિક વિખવાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી પક્ષોમાં દોડધામ મચી છે. ભાજપે અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લા પંચાયત સહિતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/bIUe5nojkI
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ઉમેદવારોની પસંદગીને લઈ અસંતોષ સામે આવ્યો છે. પૂર્વ મહામંત્રી વિનોદ વ્યાસને ટિકિટ ન મળતા નારાજગી વ્યાપી છે. નારાજ કાર્યકરોએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઓફિસે પહોંચી પ્રમુખ કેતન દેસાઈ અને પ્રભારી સામે ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતની પસંદગીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. તેઓ 25 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ 2024માં ભાજપમાં જોડાયા હતા. સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા હોવા છતાં, ભાજપે આ વખતે નવા ચહેરા પર પસંદગી ઉતારી છે.