- કોંગ્રેસના ગઢમાં ભાજપની એન્ટ્રી
- ધર્ધના નામે રાજનીતિ શરૂ થઇ ગઇ
- ઠાકોર સમાજના મતો પર ભાજપની નજર
બનાસકાંઠાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વર્ષો જૂના ગઢને તોડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને દિયોદરના ધારાસભ્યએ અમીરગઢ વિસ્તારમાં ઠાકોર સમાજ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ડુંગરપુરી મહારાજની ધૂણીએ આયોજિત આ બેઠકમાં રાજકીય પ્રચારની સાથે ધાર્મિક ભાવનાઓનો પણ સહારો લેવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન મતદારોને સંબોધતા કેશાજી ચૌહાણે આકરા તેવર બતાવ્યાં, તેમણે મતદારોને વચનમાં લેતા કહ્યું કે, જો તમારું મન આઘું-પાછું થશે , તો હનુમાનદાદા ગદા મારશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમીરગઢમાં વર્ષોથી કોંગ્રેસનો કબ્જો છે, પરંતુ જો ફરીથી કોંગ્રેસ જીતશે તો તમારા કામો અટકી જશે. કોંગ્રેસના નેતાઓ એવું બહાનું કાઢશે કે ઉપર ભાજપની સરકાર છે એટલે કામ નહીં થાય. જેથી, વિકાસ માટે ભાજપને મત આપવો જરૂરી છે.
બનાસકાંઠા અને ખાસ કરીને અમીરગઢ પંથકમાં ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. ભાજપ આ વખતે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસના આ કિલ્લામાં ગાબડું પાડવા માંગે છે. કેશાજીના નિવેદન બાદ અમીરગઢ અને સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષો આને આચારસંહિતા અને ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ ગણાવી રહ્યાં છે, જ્યારે ભાજપના કાર્યકરોમાં નવા જોશનો સંચાર થયો છે.