નવી દિલ્હીઃ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ કોમર્સિયલ LPGના વપરાશકારોને મોટી રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે, તેના કારણે દિલ્હીથી મુંબઈ સુધી કોમર્શિયલ LPG ગેસ સસ્તો થયો છે. LPG સિલિન્ડરના સુધારેલા ભાવ આજથી એટલે કે 1 જુલાઈ 2025 થી અમલમાં આવ્યાં છે. આ વખતે પણ ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યાં છે. રાજધાની દિલ્હીમાં ગેસ 58 રૂપિયા જેટલો સસ્તો થયો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં અગાઉ જૂન મહિનામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો અને 1 જૂન, 2025 ના રોજ આ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે. તે સમયે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ વધઘટ થઇ હતી. જ્યારે રાંધણ ગેસના ભાવ યથાવત્ રખાયા છે.
દેશમાં 1 જુલાઈ 2025થી ઘણાં મોટા ફેરફારો થયા છે. જેની અસર તમામ લોકોના ખિસ્સા, મુસાફરી અને રોજિંદા જીવન પર પડશે. આધાર-પાન લિંકથી લઈને રેલવે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ નિયમો અને બેન્ક ચાર્જ સુધી, દરેક જગ્યાએ નવા નિયમો લાગુ થયા છે. 1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ ગયું છે. જેમની પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તેમણે 31મી ડિસેમ્બર 2025 સુધીમાં પોતાનો આધાર પાન સાથે લિંક કરાવવો પડશે, નહીં તો તેમનું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે. અગાઉ ડ્રાઇવિંગ લાઈસન્સ કે જન્મ પ્રમાણપત્ર જેવા સરકારી દસ્તાવેજો પૂરતા હતા, પરંતુ હવે આધાર વગર નવું પાન કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે. આ નિયમ તમારી ટેક્સ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે લાવવામાં આવ્યો છે.
ભારતીય રેલવે વિભાગે મુસાફરો માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. સીબીડીટીએ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈથી વધારીને 15મી સપ્ટેમ્બર કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/