અમદાવાદઃ ખ્યાતિ કાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. હૉસ્પિટલના ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે વહેલી સવારે ધરપકડ કરી હતી. આ પહેલા ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનવણી થઇ હતી, જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યાં બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન ફગાવી નાખ્યાં હતા. કાર્તિક પટેલે તેના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઑસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો. હવે તેને ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે. કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં દર્દીઓને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યાં બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ કેસમાં સૌથી પહેલા ડૉ. વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ એક એક કરીને કૂલ 8 આરોપીઓ ઝડપાયા હતા. આજે મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઝડપાતા હવે કેસની તપાસમાં નવી વિગતો સામે આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/