+

જૂનાગઢના AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની PASA હેઠળ ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલાયા

જૂનાગઢઃ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ગત રાત્રે જૂનાગઢ LCB દ્વારા પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સતત ગુનાહિત પ્રવૃત્તિઓ અને કોર્ટના નિયમોના ઉલ

જૂનાગઢઃ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ગત રાત્રે જૂનાગઢ LCB દ્વારા પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સતત ગુનાહિત પ્રવૃત્તિઓ અને કોર્ટના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પાસા તળે તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. હરેશ સાવલિયા ગોપાલ ઈટાલિયાના ખાસ ગણાય છે.

મળતી માહિતી મુજબ, જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગત રાત્રે ભેસાણ પંથકમાંથી હરેશ સાવલિયાને ઝડપી લીધા હતા. તેમની સામે પાસાનું વોરંટ હોવાથી ધરપકડ બાદ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

હરેશ સાવલિયા સામે અનેક ગંભીર આરોપો અને ફરિયાદો નોંધાયેલી છે. જેમાં વિસાવદર મગફળી કેન્દ્રની એક શ્રમિક મહિલાએ હરેશ સાવલિયા સામે એટ્રોસિટી અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યા બાદ કોર્ટે તેમના પર વિસાવદર તાલુકામાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે, તેમણે આ શરતનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

ઉપરાંત  જૂનાગઢ જેલમાં હતા ત્યારે સામાજિક બાબતોની ચર્ચામાં હરેશ સાવલિયા અને અન્ય કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં સામસામી ફરિયાદો અને હત્યાના પ્રયાસના ગુના પણ દાખલ થયા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ટોચના જિલ્લા કક્ષાના નેતા પર એક બાદ એક ગુના દાખલ થયા છે.

 

facebook twitter