જૂનાગઢઃ ભવનાથમાં મહા શિવરાત્રિના મેળા દરમિયાન સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે વધુ એક વિવાદ વકર્યો છે. સાધુઓ માટે આરક્ષિત ગણાતા મૃગીકુંડમાં શાહી સ્નાન સમયે ડૂબકી લગાવતા અને પોલીસ અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરતા રોષ જોવા મળી રહ્યો છે. કીર્તિ પટેલને લઈ જૂનાગઢના સાધુઓએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ઉપરાંત તેમને ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો તમામ અખાડાઓ ભેગા થશે અને વિરોધ કરશે.
કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ-સંતોના શાહી સ્નાન સમયે મૃગીકુંડમાં પ્રવેશ કર્યો હતો. પરંપરા મુજબ આ સમયે અન્ય કોઈને પ્રવેશની છૂટ હોતી નથી, છતાં તે સાધુઓની વચ્ચે ડૂબકી લગાવતી જોવા મળી હતી. સાધુઓએ આ ઘટનાને પરંપરા અને મર્યાદાનો ભંગ ગણાવ્યો. જૂનાગઢના સાધુઓએ ચીમકી આપી છે કે જો તંત્ર કડક પગલાં નહીં ભરે, તો તમામ અખાડાઓ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરશે.
કુંડની બાજુમાં જ સુરક્ષા માટે તૈનાત મહિલા PI સાથે કીર્તિએ તોછડી ભાષામાં વાત કરી હતી. તેણે જાહેરમાં પોલીસને ધમકાવતા મારી બેટીઓ અને એના બાપનો કુંડ હોય તેમ જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. પોલીસ અધિકારીઓના અપમાનને જૂનાગઢ પોલીસ તંત્રએ ગંભીરતાથી લીધું છે. જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યાં છે.
જૂનાગઢના પ્રાંત અધિકારીએ કહ્યું મૃગીકુંડમાં સાધુ સંતો સાથે નીતિ-નિયમોને લઈને ચર્ચા કરાશે. જો ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.