અમદાવાદઃ ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે 20 જિલ્લાના ખેડૂતો માટે 1419 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. ઑગસ્ટ મહિનામાં થયેલા વરસાદના નુકસાન માટે રાજ્યના અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દ્વારકા, ખેડા, આણંદ, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, ડાંગ, ભરૂચ, પાટણ અને છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવાળી બાદ ખેડૂતોને આ સહાય પહોંચાડવામાં આવશે.
જો કે આ સહાય પેકેજમાંથી અમરેલી જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લાની સહાય પેકેજમાંથી બાદબાકી થતાં કોંગ્રેસ મહિલા સેલના અધ્યક્ષ જેની ઠુંમરે સરકાર પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું, ખેડૂતો માટે 1419 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાયું. 33 માંથી 20 જિલ્લાઓનો સમાવેશ થયો પરંતુ અમરેલી જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો કારણ ? પાછોતરા વરસાદના કારણે થયેલ નુકસાનના વળતર માટે શું ?
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતે કહ્યું કે જિલ્લામાં ભારે વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનો સોથ વળી ગયો છે. ખેડૂતોને દિવાળી ટાણે હોળી જેવો ઘાટ સર્જાયો છે. જિલ્લાના ખેડૂતોનો સહાય પેકેજમાં સમાવેશ ન કરીને ઠેંગો બતાવ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++