જામનગરઃ સમગ્ર દેશમાં હાલ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ ચાલી રહી છે. ભારતીય ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી SIRની કામગીરી વચ્ચે જામનગર પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી પાસપોર્ટ કે વિઝા વગર રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોને એસ.ઓ.જી. સ્ટાફે ઝડપી પાડ્યા છે.
જામનગર એસ.ઓ.જી. સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરની પટેલ કોલોની, શેરી નંબર-11 માં આવેલ એક મકાનમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે આશરો લઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા મકાનમાંથી બે પુરુષ અને ત્રણ મહિલાઓ મળી આવ્યા હતા.
પોલીસે શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુંઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર, મુર્સીદા બેગમ મહમદઆરીફ મુઝીબર શેખને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આ તમામ શખ્સો પાસેથી પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાના આધારકાર્ડ મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બે મહિલાઓ લાંબા સમયથી અહીં ભાડે રહેતી હતી, જ્યારે અન્ય સભ્યો તાજેતરમાં જ રહેવા આવ્યા હતા.
હાલ તમામ આરોપીઓને સિટી બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ પાસપોર્ટ એક્ટ અને અન્ય કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.