નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. યુએઈના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ, હવે તેમણે બહેરીન અને સાઉદી અરેબિયાના ટોચના નેતાઓ સાથે પણ ફોન પર વાત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ તાજેતરના હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી અને કહ્યું કે સંકટના આ સમયમાં ભારત તેના મિત્ર દેશોની સાથે ઊભું છે.
વડાપ્રધાન મોદીએ બહેરીનના રાજા કિંગ હમદ બિન ઈસા અલ ખલીફા સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમણે બહેરીન પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી અને ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વાતચીત દરમિયાન ત્યાં રહેતા ભારતીય સમૂદાયની સુરક્ષાનો મુદ્દો પણ મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો હતો. બહેરીનમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે અને ભારત સરકાર તેમની સુરક્ષાને લઈને સતત સંપર્કમાં છે.
પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને સાઉદી અરેબિયા પર થયેલા હુમલાની નિંદા કરતા કહ્યું કે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા અત્યંત જરૂરી છે.
PM Modi (@narendramodi) posts, "Discussed the evolving situation in West Asia with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman. India condemns the recent attacks on Saudi Arabia in violation of its sovereignty and territorial integrity. We agreed that… pic.twitter.com/mL0NXxzjkZ
— Press Trust of India (@PTI_News) March 2, 2026
આ તમામ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રહ્યો છે. સરકારનો પ્રયાસ છે કે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ત્યાં હાજર દરેક ભારતીય સુરક્ષિત રહે. એકંદરે, ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તે શાંતિનો સમર્થક છે અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.