ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો

09:41 PM Jan 13, 2026 | gujaratpost

તેહરાન: ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો દરમિયાન અત્યાર સુધીમાં 2000 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ મૃતકોમાં સામાન્ય પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના જવાનોનો સમાવેશ થાય છે. મંગળવારે એક ઈરાની અધિકારીએ આ માહિતી આપતા પ્રથમવાર સ્વીકાર્યું છે કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાની અધિકારીએ દાવો કર્યો છે કે આ મોતો માટે આતંકવાદીઓ જવાબદાર છે. જો કે, અધિકારીએ એ સ્પષ્ટ કર્યું નથી કે મૃતકોમાં પ્રદર્શનકારીઓની સંખ્યા કેટલી છે અને સુરક્ષા જવાનોની સંખ્યા કેટલી છે.

ઈરાનમાં આ અશાંતિ નબળી આર્થિક સ્થિતિને કારણે ઉભી થઈ છે, જે ઈરાની સરકાર માટે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી મોટો આંતરિક પડકાર માનવામાં આવે છે. આ પ્રદર્શનો એવા સમયે થઈ રહ્યાં છે જ્યારે ઇઝરાયેલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાન પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે.

1979ની ઇસ્લામી ક્રાંતિ બાદ સત્તા પર રહેલી ઈરાની સરકાર આ મામલે બેવડી નીતિ અપનાવી રહી હોય તેમ જણાય છે. સરકાર એક તરફ આર્થિક સમસ્યાઓને કારણે થઈ રહેલા પ્રદર્શનોને વ્યાજબી ઠેરવી રહી છે, બીજી તરફ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી રહી છે. ઈરાન સરકારે આ અશાંતિ ફેલાવવા માટે અમેરિકા અને ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યા છે અને દાવો કર્યો છે કે હવે આ પ્રદર્શનો પર આતંકવાદી તત્વોનું નિયંત્રણ છે.

માનવાધિકાર સંગઠનોએ અગાઉ જ અનેક લોકોના મોત અને હજારોની ધરપકડની પુષ્ટિ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનમાં ઇન્ટરનેટ અને સંચાર સેવાઓ પર પ્રતિબંધ હોવાથી સચોટ માહિતી મળવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારના વિરોધમાં અહીં પ્રદર્શનો તેજ બન્યાં છે.