વીડિયો, ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાઓને આવી રીતે નિષ્ફળ બનાવી દીધા

10:31 AM May 09, 2025 | gujaratpost

ફરી એકવાર ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવી દીધી છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન, સેનાએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેણે દુશ્મનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો છે.

સેનાએ જણાવ્યું કે 8 અને 9 મે 2025 ની રાત્રે પાકિસ્તાન સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

સૈન્ય નિવેદન

સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, બધા ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યાં અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈ પણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં.

ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું અમે રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. પાકિસ્તાનના કોઈ પણ નાપાક કૃત્યને સહન કરવામાં આવશે નહીં અને દરેક જવાબનો જોરશોરથી જવાબ આપવામાં આવશે.

આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મોરચો સંભાળ્યો

આ ઓપરેશન હેઠળ જ્યાં એક તરફ આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સરહદોનું રક્ષણ કર્યું, ત્યાં બીજી તરફ સૈનિકોએ જમીન પર જવાબદારી સંભાળી અને દરેક હુમલાનો જવાબ આપ્યો. નિયંત્રણ રેખા પર તૈનાત બટાલિયનોએ પાકિસ્તાનના ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો અને તેના આગળ વધવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.

સેનાના આ નિવેદન બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરથી જેસલમેર સુધી ભારતના લગભગ 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતીય સરહદમાં પ્રવેશતા ડ્રોન, મિસાઇલ અને ફાઇટર વિમાનોને એક પછી એક તોડી પાડવામાં આવ્યાં અને ત્યારબાદ મોડી રાત્રે ભારતીય સેનાના વળતા હુમલાથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો. નૌકાદળ, સેના અને વાયુસેનાએ મળીને કરાચી, લાહોર, સિયાલકોટ અને પેશાવર સહિત ઘણા શહેરોમાં ઝડપી હુમલાઓ શરૂ કર્યા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++