રોકાણકારો મહેનતની કમાણી ગુમાવી દેશે તો જવાબદાર કોણ ? હિંડનબર્ગ મામલે રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર- Gujarat Post

11:07 PM Aug 11, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ અમેરિકન રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચનો નવો રિપોર્ટ બહાર આવ્યાં બાદ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને તેના ચીફ માધવી પુરી બુચ વિરોધ પક્ષના નિશાના પર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે આકરા પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે નાના છૂટક રોકાણકારોની સંપત્તિની સુરક્ષા માટે જવાબદાર સેબીની પ્રતિષ્ઠાને તેના અધ્યક્ષ સામેના આરોપોથી ગંભીર નુકસાન થયું છે.

તેમણે કહ્યું, 'દેશભરના પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્વપૂર્ણ પ્રશ્નો છે, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી ? જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે છે, તો તેના માટે કોણ જવાબદાર હશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી ? જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યાં છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે ? તેમણે કહ્યું કે હવે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.

રાહુલે એક વીડિયો શેર કર્યો અને કહ્યું, 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ચાલી રહી છે અને મેચ જોનાર દરેક વ્યક્તિ જાણે છે કે અમ્પાયરો તટસ્થ નથી. આવી સ્થિતિમાં મેચનું શું થશે ? મેચની નિષ્પક્ષતા અને પરિણામનું શું થશે ? મેચમાં હાજરી આપનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે ? ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શેરબજારમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યાં છે. તેઓ તેમની મહેનતની, પ્રમાણિકતાથી કમાયેલી બચતને શેરબજારમાં રોકાણ કરી રહ્યાં છે. વિપક્ષના નેતા તરીકે તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ છે કે ભારતીય શેરબજાર જોખમમાં છે.  નોંધનિય છે કે અદાણીની કંપનીઓના શેરમાં સેબીના અધ્યક્ષનું રોકાણ હોવાનું સામે આવ્યાં બાદ મોટો હોબાળો થયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526