કાબુલ: ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અફઘાનિસ્તાનમાં પૂર, ભૂસ્ખલન અને વીજળી પડવા જેવી ઘટનાઓ બની છે, જેમાં છેલ્લા 10 દિવસમાં 77 લોકોનાં મોત થઇ ગયા છે અને 137 લોકો ઘાયલ થયા છે, એમ દેશની આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાએ શનિવારે જણાવ્યું હતું.
આગામી દિવસોમાં અફઘાનિસ્તાનમાં વધુ વરસાદની આગાહી છે અને અધિકારીઓએ લોકોને નદી કિનારા અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આ વર્ષે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં ખરાબ હવામાનને કારણે ઘણા લોકો મોત થયા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે છેલ્લા 48 કલાકમાં વધુ 26 લોકોના મોત થયા છે. કુલ 793 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને 2,673 અન્યને નુકસાન થયું છે, જ્યારે પૂર અને ભૂસ્ખલનના કારણે 337 કિલોમીટરના રસ્તાઓ નાશ પામ્યાં છે.
ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાને કારણે અફઘાનિસ્તાનના મહત્વના હાઈવે બંધ થઈ ગયા છે. પાકિસ્તાન સરહદને જોડતો આ મુખ્ય રસ્તો બંધ થતા વાહનવ્યવહાર ઠપ થયો છે. હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલો સાલંગ પાસ બંધ થવાથી કાબુલનો ઉત્તરીય શહેરો (કુંદુઝ અને મઝાર-એ-શરીફ) સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મુસાફરોને લાંબા અને મુશ્કેલ ડાયવર્ઝન લેવાની ફરજ પડી રહી છે.