LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video

06:04 PM Mar 12, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ દેશમાં એલપીજી સંકટ અંગે લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઈલ મેળવી રહ્યું છે. ગેસ સિલિન્ડર બાબતે ગભરાવા જેવી કોઈ વાત નથી. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, આ સમય અફવા ફેલાવવાનો નથી અને ખોટો નેરેટિવ ફેલાવવાનો પણ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગેસ સિલિન્ડર માટે પેનિક  કરવાની જરૂર નથી.

વિપક્ષના સવાલોનો લોકસભામાં જવાબ આપતા હરદીપ પુરીએ કહ્યું, CNGનો 100 ટકા સપ્લાય થઈ રહ્યો છે. ભારતમાં દરરોજ LNG કાર્ગો પહોંચી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં LPGનું ઉત્પાદન 28 ટકા વધ્યું છે. ભારત લાંબા સમય સુધી આ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

એલપીજી સંકટ પર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરતા પેટ્રોલિયમ મંત્રીએ ઉમેર્યું કે, અમારી પાસે પૂરતું ક્રૂડ ઓઈલ છે. પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. અમે 40 દેશોમાંથી ક્રૂડની આયાત કરી રહ્યા છીએ.

આ પહેલા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આપણી ઊર્જા સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હોવાથી ગેસ અને ઈંધણ એક મોટી સમસ્યા બનવા જઈ રહ્યાં છે. તેમને મોદી સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો હતો.