અમદાવાદઃ રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશન અને એક્ટિવ ટ્રફના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 7મી મેના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. હવામાન વિભાગે આ દિવસે પણ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે, રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 6 મે ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. 5મી જુલાઇએ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 8.08 ઈંચ અને વડગામ તાલુકામાં 4 ઈંચ વરસાદ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે.
કઠલાલ અને ગળતેશ્વર તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાલનપુર, કુકરમુંડા, કપરાડા, ઠાસરા, ઉમરપાડા અને નાંદોદ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ઝઘડિયા, સુરત શહેર, ઉમરગામ, ખેડબ્રહ્મા, હાલોલ, સતલાસણા, સિંઘવડ, સિદ્ધપુર, બાલાસિનોર, નસવાડી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/