શાળાઓની આવી સ્થિતી, IAS અધિકારી ડો.ધવલ પટેલના વાઇરલ થયેલા પત્ર બાદ રાજકારણમાં ગરમાવો- Gujarat Post

12:53 PM Jun 27, 2023 | gujaratpost

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં ગયેલા સરકારના 2008 બેચના IAS અધિકારી ડો.ધવલ પટેલે શિક્ષણ સચિવ વિનોદ રાવને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને જણાવ્યું છે કે,ચકાસણી દરમિયાન કેટલીક શાળાઓમાં શિક્ષણનું સ્તર બહું જ નબળું છે. તેમનો આ પત્ર મીડિયામાં  આવ્યાં બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસે શિક્ષણની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું છે કે રાજ્યમાં દર વર્ષે પ્રવેશોત્સવનું આયોજન થાય છે, પ્રવોશોત્સવમાં વાહવાહી કરતા શિક્ષણ વિભાગની પોલ હવે ખુલી ગઈ છે. સરકાર આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખતી હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જ્ઞાન આપનાર શિક્ષક જ નથી હોતા. ધવલ પટેલે હિંમત દાખવી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ટ્વિટ કરીને લખ્યું છે કે એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને અન્ય આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓની સ્થિતિ સારી નથી. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની સ્થિતિ સુધરવાની નથી.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મુદ્દે પોતાની સરકારનો બચાવ કરતા જણાવ્યું છે કે, ગુજરાત સરકાર તમામ વિસ્તારોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા પ્રયત્ન કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. ત્યારે ધવલ પટેલે પણ એ સૂચન કર્યું હતું અને એ બાબતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.