(demo pic)
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હન ગેંગ સક્રિય થઈ છે. ગાંધીનગરના ત્રણ યુવકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી વલસાડની લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી ફરાર થઈ ગઈ છે. ગાંધીનગરના રૂપાલ અને રાંધેજા ગામની આ ઘટના છે.ગામમાં રહેતા એક બે નહીં પરંતુ ત્રણ યુવાનો વલસાડની લૂંટેરી ગેંગનો શિકાર બન્યાં છે.
રૂપાલ ગામમાં રહેતો યુવાન ચીન્મય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે, તેના માટે પરિવારજનો યુવતી શોધી રહ્યાં હતા. જોકે ગામમાં જ રહેતા શૈલેષ કનુભાઈ પટેલે ચીન્મયને એક યુવતીનો ફોટો બતાવ્યો હતો, આ યુવતી તારા માટે સારી રહેશે તેમ કહેતા તેણે પરિવારજનોને ફોટો બતાવ્યાં બાદ શૈલેષ પટેલ સાથે વલસાડના ચીખલીથી આગળના વિસ્તારમાં ખેતરમાં યુવતી જોવા માટે ગયા હતા.જ્યાં યુવતીના મામાના ઘરે તેમને યુવતી બતાવવામાં આવી હતી.
યુવાન અને યુવતીએ એકબીજાને પસંદ કરી લેતા પરિવારજનોએ લગ્નનું નક્કી કર્યું હતું. જો કે શૈલેષભાઈએ કહ્યું હતું કે, યુવતીના પરિવારજનો લગ્નનો ખર્ચ કરી શકે તેમ નહીં હોવાથી તેમને આર્થિક મદદ કરવી પડશે, તે માટે 3 લાખ રૂપિયા રોકડા નારદીપુર ખાતે યુવતીના જીજાજી હિતેશ વિમલેશભાઈ પટેલને આપ્યાં હતા.17 ફેબ્રુઆરીના રોજ સેક્ટર 24માં આવેલી આર્ય સમાજની વાડીમાં ચીન્મય અને યુવતી માનસીના લગ્ન થયા હતા.
જો કે લગ્ન બાદ માનસીએ મોબાઇલની માંગણી કરતા રૂ.28,000નો ફોન લઈ આપ્યો હતો, ત્યારબાદ તે 15 દિવસ રોકાઈને પિયર ગઈ હતી. ત્યાંથી આવ્યાં બાદ દાંતની ટ્રીટમેન્ટ કરાવવાનું કહીને રૂપિયા 24,000ની માગણી કરી હતી. જો કે ચીન્મયે રૂપિયા આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગઈ હતી, તને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના પગલે શૈલેષભાઈને જાણ કરતાં તેમણે 15 દિવસમાં માનસીને પરત લઈ આવવાની વાત કરી હતી.
જો કે તપાસ કરતા ગામમાં રહેતા મેહુલ અને સંદીપ નામના યુવાનો પણ આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ટોળકીએ રુપાલ, રાંધેજા, કડી તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કુલ છ જેટલા યુવાનોને છેતર્યાં છે અને તેમની પાસેથી 20 લાખ ઉપરાંતની રકમ મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/