ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ 5 બેઠકો પર ભાજપની જીત, મોઢવાડિયા, સી.જે.ચાવડા બની શકે છે મંત્રી

09:00 PM Jun 04, 2024 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાતની 25 લોકસભા સીટ ઉપરાંત 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની મત ગણતરી આજે થઈ રહી છે. તમામ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે. વિજાપુરથી ભાજપના ડો. સી.જે. ચાવડા, પોરબંદરથી ભાજપના અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ભાજપના ચિરાગ પટેલ, વાઘોડીયાથી ભાજપના ધર્મેન્દ્ર વાઘેલા, માણાવદરથી ભાજપના અરવિંદ લાડાણીની જીત થઇ છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને ભવ્ય જીત મેળવી હતી. ભાજપે 182માંથી 156 સીટો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટી 5 સીટો પર જીત મેળવી હતી. સમાજવાદી પાર્ટીને 1 અને અન્યને 3 સીટો મળી હતી. આ પહેલા ભાજપનો સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ 127નો હતો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપે 127 સીટો પર જીત મેળવી હતી.

નોંધનિય છે કે પેટાચૂંટણીમાં જીતેલા ઉમેદવારો પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યાં હતા. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, ડો.સી.જે.ચાવડાને ભપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ટૂંક સમયમાં જ ભાજપ સરકારનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526