ગાંધીનગર: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે ઉમેદવારો જાહેર કરવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. ગઈકાલે કેટલીક બેઠકો જાહેર કર્યા બાદ, આજે ભાજપ દ્વારા અમદાવાદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લા માટે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી હતી. જેમાં ક્યાંક નવા ચહેરાઓને તક મળી છે, તો ક્યાંક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. જેમાં ધોળકા, બારેજા અને વિરમગામ નગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, હજુ પણ અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે, જેના પર સૌની નજર ટકેલી છે.
ખેડા જિલ્લામાં ભાજપે મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતો માટે પણ નામોની જાહેરાત થઈ ચૂકી છે. જોકે, પાલી જિલ્લા પંચાયત બેઠક પર હજુ પણ ઉમેદવાર નક્કી કરવામાં પેચ ફસાયો હોય તેમ જણાય છે, કારણ કે આ બેઠકની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
છોટા ઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની યાદીમાં ભાજપે મિશ્ર વ્યૂહરચના અપનાવી છે. અહીં અનેક બેઠકો પર જૂના ઉમેદવારોને રિપીટ કરાયા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં યુવાનોને પણ તક આપવામાં આવી છે. જોકે, અહીં મોટા ફેરફારો જોવા મળ્યા છે
જિલ્લા પંચાયતમાં બે ટર્મથી ચૂંટાતા મલકાબેન પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ઉપ પ્રમુખ રહી ચૂકેલા રણજિત ભીલ અને કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવાને આ વખતે ટિકિટ મળી નથી. ઉપેન્દ્ર રાઠવાને મોટી અમરોલ જિલ્લા પંચાયત બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 13 એપ્રિલ ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ છે, 15 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 26 એપ્રિલના રોજ મતદાન થશે. જો જરૂર પડશે તો 27 એપ્રિલે પુનઃમતદાન થશે અને 28 એપ્રિલે મત ગણતરી થશે.