કરોડો રૂપિયાની ટેક્સ ચોરી, ગુજરાતમાં તમાકુ-વાસણના 83 વેપારીઓ પર જીએસટીના દરોડા- Gujarat Post

10:31 AM May 17, 2025 | gujaratpost

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ તમાકુ અને વાસણના 83 વેપારીઓ પર દરોડા પાડ્યાં છે. બિલ વિનાના વેચાણ શોધવા માટે તેમણે દરોડા પાડયા હતા. 14  મે થી દરોડાની કાર્યવાહી ચાલુ છે. 15 મેએ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુના 70 વેપારીઓ પર દરોડા કર્યાં હતા. 13 વાસણના વેચાણ સાથે સંકળાયેલાં વેપારી તથા 70 તમાકુના ધંધા સાથે સંકળાયેલાં વેપારીઓનો સમાવેશ થાય છે. આ વ્યાપક દરોડાને પગલે સમગ્ર વેપારી જગતમાં ફફડાટ ફેલાઇ ગયો છે. બિલ વિના થતાં વેચાણો અટકાવવા માટે અને ટેક્સની રિકવરી કરવા માટે આ કાર્યવાહી કરાઇ છે.

અગાઉથી મળેલી ચોક્કસ બાતમીને આધારે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્રારા 14મી મે ના રોજ અમદાવાદ ખાતે આવેલાં વાસણના વેચાણ સાથે સંકળાયેલાં 13 વેપારીઓના ધંધાના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાસણના ધંધા સાથે સંકળાયેલાં વેપારી પેઢીઓની તપાસમાં બિલ વિના માલની ખરીદી અને વેચાણ થકી કરચોરીની મોડસ ઓપેરેન્ડી શોધી કાઢવામાં આવી હતી.  ઉપરાંત તપાસ દરમિયાન બિન હિસાબી સ્ટોક તેમ જ કાચું હિસાબી સાહિત્ય મળી આવ્યું હતું.  

આ દરોડામાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવે તેવી શક્યતા છે, હાલમાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે.