જામ સાહેબે ઉત્તરાધિકારીની કરી જાહેરાત, પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના રાજવી પરિવારના બનશે વારસદાર

10:43 AM Oct 12, 2024 | gujaratpost

જામનગરઃ જામ સાહેબ શત્રુશૈલીસિંહજીએ તેમના વારસદારની જાહેરાત કરી દીધી છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને તેમના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા છે.

આ દરમિયાન શત્રુશૈલીસિંહજીએ કહ્યું કે મને ખુશી છે કે અજય જાડેજા નવાનગરના નવા જામસાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના છે અને નવાનગર રજવાડાના છે. તેઓ પહેલાથી જ જામ સાહેબ શત્રુશૈલીસિંહજીની નજીક હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓ નવા જામ સાહેબ હશે.

વારિસનો ઇતિહાસ કેવો હતો ?

હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરી છે, તેમણે અજય જાડેજાને પસંદ કર્યા છે. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પિતા દિગ્વિજય સિંહ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યાં હતા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યાં હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્ય સિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લી વ્યક્તિ હતા.

અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો

અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ હતા. અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ઉત્તમ ખેલાડી રહ્યાં છે. તે 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો અને વાઇસ કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526