અંદાજે 1,500 કરોડ રૂપિયાના કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની ED એ કરી ધરપકડ

11:22 PM Jan 02, 2026 | gujaratpost

સુરેન્દ્રનગરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રૂ.1,500 કરોડના જમીન કૌભાંડના સંબંધમાં સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. શુક્રવારે ED ની ત્રણ ટીમોએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ લાંબી પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં NA (બિન-કૃષિ) જમીન રૂપાંતરણ સંબંધિત ગેરરીતિની વ્યાપક તપાસનો એક ભાગ છે.

ACB એ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો

આ કાર્યવાહી 23 ડિસેમ્બર, 2025 ના રોજ કરવામાં આવેલા દરોડામાં થઇ છે, જ્યારે ED એ તત્કાલીન સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના પરિષરમાં દરોડા પાડ્યાં હતા. ED અધિકારીએ સુરેન્દ્રનગરના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ખાતે રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરેટના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાઓ પછી, રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી.

રૂ.1 કરોડની લાંચ લેવાનો આરોપ

ACB ફરિયાદ મુજબ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પર તત્કાલીન કલેક્ટર, તેમના કારકુન અને અંગત મદદનીશની જાણકારી અને મિલીભગતથી કુલ રૂ.1 કરોડની લાંચ લેવાનો આરોપ છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે તેમને એવા દસ્તાવેજો પણ મળ્યાં છે જેમાં આ સમગ્ર રેકેટમાં સામેલ વચેટિયાઓ અને તેમને કરવામાં આવેલી ચુકવણીની વિગતો છે.

દરોડા દરમિયાન રૂ. 67.50 લાખ જપ્ત

23 ડિસેમ્બરના રોજ, EDએ સુરેન્દ્રનગર જિલ્લામાં મોરીના નિવાસસ્થાને દરોડા દરમિયાન રૂ. 67.50 લાખ રોકડા જપ્ત કર્યા હતા. આ રકમ એક બેડરૂમમાંથી મળી આવી હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 17 હેઠળ જપ્ત કરવામાં આવી હતી.

મોરીએ ગુનો કબૂલ્યો

પીએમએલએ હેઠળ નોંધાયેલા પોતાના નિવેદનમાં ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ લાંચના પૈસા હતા, જે અરજદારો પાસેથી સીધા અથવા વચેટિયાઓ દ્વારા જમીન ઝડપથી NA કરવા માટે કરાયા લેવાયા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++