નકલી સિમ, નકલી એકાઉન્ટ અને કરોડોની લૂંટ.. સુરતમાં રૂ. 47.44 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ

09:44 AM Apr 06, 2026 | gujaratpost

સુરતઃ સાયબર ક્રાઈમ પોલીસે રૂ.47.44 કરોડની છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરના લિંબાયત વિસ્તારમાં દરોડા પાડીને એક શંખ્સની ધરપકડ કરી હતી, જ્યારે બે અન્ય લોકોની શોધખોળ થઇ રહી છે. ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી રૂ. 19.47 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂ.18.80 લાખ રોકડાનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, આ ગેંગ લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ નજીક સુભાષનગર સોસાયટીમાં એક ઘરમાંથી પોતાનું આખું નેટવર્ક ચલાવી રહી હતી. પોલીસે ભાવેશ મનોજભાઈ આશ્રમ શિંદેની ધરપકડ કરી છે, જ્યારે મૂળ મહારાષ્ટ્રના ઋષિકેશ અધિકાર શિંદે અને હરીશ સુનિલભાઈ ચૌધરીની ફરાર છે.

સુરત સાયબર ક્રાઈમ સેલના જણાવ્યાં અનુસાર, ભાવેશ શિંદે બે સાથીઓ સાથે એક ઘરમાંથી સાયબર છેતરપિંડીનું રેકેટ ચલાવી રહ્યો હતો. ગેંગ વિશે માહિતી મળ્યા બાદ પોલીસે ઘર પર દરોડો પાડ્યો અને આરોપીની ધરપકડ કરી.

દરોડા દરમિયાન એક મોટું નેટવર્ક મળી આવ્યું

દરોડા દરમિયાન પોલીસે 19.50 લાખ રૂપિયા રોકડા, 16 ડેબિટ કાર્ડ, 24 ચેક બુક, પાસબુક, પાંચ સિમ કાર્ડ, એક સ્વાઇપ મશીન અને એક જ્યુપિટર બાઇક જપ્ત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ખૂબ જ ચાલાકીથી કામ કરતી હતી અને શંકા ટાળવા માટે ઓફિસને બદલે ઘરેથી નેટવર્ક ચલાવતી હતી. 

આ ગેંગ નકલી બેંક ખાતા અને સિમ કાર્ડનો ઉપયોગ કરતી હતી. આરોપીઓ વિવિધ રાજ્યોના લોકો પાસેથી બેંક ખાતા અને સંબંધિત મોબાઇલ નંબરો મેળવીને વિદેશમાં સ્થિત સાયબર ગુનેગારોને બેંક વિગતો પૂરી પાડતા હતા. 

વિદેશમાંથી છેતરપિંડીની રકમ વિવિધ ભારતીય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ત્યાર બાદ આરોપીઓ એટીએમ અને અન્ય માધ્યમો દ્વારા પૈસા ઉપાડતા, કમિશન કાપીને બાકીની રકમ ફોરવર્ડ કરતા.

રૂ. 47.44 કરોડના છેતરપિંડીનો પર્દાફાશ 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં લોકો સાથે કુલ રૂ. 47.44 કરોડની ઓનલાઈન છેતરપિંડી કરી છે. વિવિધ રાજ્યોમાં આ ગેંગ સામે પંદર પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પોલીસને ડર છે કે ભોગ બનેલા લોકોની સંખ્યા અને છેતરપિંડીની હદ વધુ વધી શકે છે. 

આરોપીઓ લોકોને તેમના નામે બેંક ખાતા ખોલાવવા માટે લલચાવતા હતા અને પોલીસ તેમના સુધી પહોંચી ન શકે તે માટે તેમના પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખતા હતા. પોલીસ હાલમાં ફરાર આરોપીઓની શોધ કરી રહી છે અને આંતરરાષ્ટ્રીય જોડાણોની તપાસ કરી રહી છે.

ઓપરેશન મુલ હન્ટ ચાલુ છે

સાયબર ક્રાઇમ સેલના ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ ઓપરેશન મુલ હન્ટ હેઠળ કામગીરી ચાલુ છે. ગુપ્ત માહિતીના આધારે, દરોડો પાડવામાં આવ્યો હતો અને ભાવેશ શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ભૂમિકા એટીએમ રોકડ એકઠી કરીને હરીશ ચૌધરીને સોંપવાની હતી.

હરીશ ચૌધરીના ઘરે દરોડામાં રૂ.18.5 લાખ રોકડા, 40 સિમ કાર્ડ અને ૩૫ બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી. NCRP પોર્ટલ પર આ ખાતાઓ વિરુદ્ધ 56 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં કુલ રૂ.47.44 કરોડની છેતરપિંડીનો ખુલાસો થયો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે ફરાર આરોપીઓ, હરીશ ચૌધરી અને ઋષિકેશ, મહાદેવ ગેમિંગ એપ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. બંને હાલમાં જામીન પર છે, અને પોલીસ તેમની શોધ કરી રહી છે.